વચનામૃત અમદાવાદનું - ૮
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે સંતની પંક્તિમાં લાડુ ફેરવતા હતા ને સુંદર શ્વેત રૂમાલ મસ્તક ઉપર બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેર્યો હતો ને ડાબા ખભા ઉપર ખેસ નાખીને કેડ બાંધી હતી, ને કંઠને વિષે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો.
૧ અને પછી લાડુ ફેરવતાં ફેરવતાં શ્રીજીમહારાજે સાધુ સર્વેને વાર્તા કરી જે, (૧) પરમહંસને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતાં ક્રોધ ઊપજે, તથા વાદવિવાદ કરતાં ક્રોધ ઊપજે તથા કોઈક પદાર્થ લેવા-દેવામાં ક્રોધ ઊપજે, તથા કોઈકને શિક્ષા કરતાં હોઈએ ને ક્રોધ ઊપજે, તથા પોતાની શુશ્રૂષાને વિષે રહેતો હોય જે સાધુ તેને પક્ષપાતે કરીને ક્રોધ ઊપજે, તથા અપમાને કરીને ક્રોધ ઊપજે તથા ઈર્ષ્યાએ કરીને ક્રોધ ઊપજે, તથા આસન કરવાને વિષે ક્રોધ ઊપજે તથા ભગવાનની પ્રસાદી વહેંચવાને વિષે ન્યૂનાધિકપણું કરે ને ક્રોધ ઊપજે ઇત્યાદિક જે જે ક્રિયાને વિષે ક્રોધ ઊપજે તે મોટા સાધુને ઊપજે અથવા નાના સાધુને ઊપજે, તો જેની ઉપર ક્રોધ ઊપજે તેને એક સાષ્ટાંગ દંડવત-પ્રણામ કરવો. અને ગદ્ગદ હૃદય થઈને દીનતાએ કરીને રૂડાંરૂડાં વચન બોલીને તેને પ્રસન્ન કરવો એમ અમારી આજ્ઞા છે. અને જો કોઈક સાધુ ઉપર દ્રોહની બુદ્ધિનો સંકલ્પ થાય તો નિષ્કપટ થઈને પોતાને મુખે તે સંકલ્પ કહેવો જે, હે મહારાજ ! આ રીતનો ભૂંડો સંકલ્પ તમારી ઉપર થયો અને તે સંકલ્પનો જે દોષ તેની નિવૃત્તિને અર્થે તેની પ્રાર્થના કરવી. બીજું, જો ગૃહસ્થ ઉપર પરમહંસને ક્રોધ ઊપજે તો તે પરમહંસ તે ગૃહસ્થની વચને કરીને પ્રાર્થના કરે અને બેઠે થકે નમસ્કાર કરે પણ સાષ્ટાંગ દંડવત ન કરે. અને જે સાંખ્યયોગી બાઈઓ તેને જો પરસ્પર ક્રોધ ઊપજે તો વચને કરીને પ્રાર્થના કરવી ને બેઠે થકે નમસ્કાર કરવો અને જો સાંખ્યયોગી પુરુષ તથા પરમહંસ તેની તો એ રીત છે. અને જેની ઉપર ક્રોધ ઊપજે તેની આગળ પોતાની મોટપ મૂકીને તેને પોતાના ઇષ્ટદેવ જે શ્રી સ્વામિનારાયણ તેના ભક્ત જાણીને નમસ્કાર કરવો ને પ્રાર્થના કરવી. (૧) પણ દેહદૃષ્ટિ ન રાખવી જે હું મોટો છું ને ઉત્તમ છું ને આ તો મોટો નથી ને નાનો છે એવી રીતે દેહદૃષ્ટિ ન કરવી. ને બીજું આપણા ઇષ્ટદેવ જે શ્રી નરનારાયણ તે ક્રોધ તથા માન તેને નથી રાખતા, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના જે હોય તે ક્રોધ તથા માન ત્યાગ કરજો. બીજું, આ જે અમે ક્રોધનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેને જે કરશે તેને ઉપર શ્રી નરનારાયણ પ્રસન્ન થાશે ને તેનું અંતઃકરણ શુદ્ધ થાશે અને તેનાં કામ, ક્રોધ, માન, લોભ, ઈર્ષ્યા, મદ, મત્સર તે સર્વ નાશ પામી જાશે. (૨) અને ક્રોધ ઊપજ્યો ને જે આ પ્રાયશ્ચિત્ત નહિ કરે તેને સર્પ તુલ્ય જાણવો પણ તેને સાધુ ન જાણવો. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૨૨૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈને કોઈ ક્રિયામાં ક્રોધ ઊપજે તો દંડવત આદિકે કરીને જેના ઉપર ક્રોધ ઊપજે તેને પ્રસન્ન કરવાની રીત કહી છે. (૧) અને અમારા ભક્તને વિષે દેહભાવ ન રાખવો અને કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરશે તેનું અંતઃકરણ શુદ્ધ થશે ને કામાદિક દોષ ટળી જશે અને એ પ્રાયશ્ચિત્ત નહિ કરે તેને સર્પ તુલ્ય જાણવો. (૩) બાબતો છે. ।।૮।। (૨૨૮)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં અમદાવાદ પ્રકરણં સમાપ્તમ્